નાગરિકતા બિલના નામે ઈમરાનનો ફરી ભારતને બદનામ કરવા પ્રયાસ, ભારતે આપ્યો આવો જવાબ

ઈસ્લામાબાદ, તા. 18. ડિસેમ્બર, 2019 બુધવાર

નાગરિકતા સંશોધન બિલના નામે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને નવેસરથી ભારતને બદનામ કરવા માટે પ્રયાસ શરુ કર્યા છે.

સ્વિટઝરલેન્ડના જિનિવામાં રેફ્યુજી અંગેની એક કોન્ફરન્સમાં ઈમરાનખાને ભારતમાં લાગુ કરાયેલા નાગરિકતા સંશોધન બિલનો મુદ્દો ઉઠાવીને દુષ્પ્રચાર કરતા કહ્યુ હતુ કે, આ બિલના કારણે લાખો મુસ્લિમોને ભારત છોડવુ પડશે અને શરણાર્થીઓની બહુ મોટી સમસ્યા પેદા થશે.જેની સામે દુનિયાની બીજી તમામ સમસ્યાઓ નાની લાગશે.

ઈમરાનખાને ધમકી આપતા કહ્યુ હતુ કે, આ સંકટના કારણે બે પરમાણુ શક્તિ ધરાવતા દેશો વચ્ચે વિવાદ પણ થઈ શકે છે.

ઈમરાને બીજા દેશોને દરમિયાનગીરી કરવાની અપીલ કરતા કહ્યુ હતુ કે, ભારત કાશ્મીરમાં મુસ્લિમોની બહુમતી છે તેને બદલવાનો પ્રયાસ કરી રહ્યુ છે.ભારતમાં નવો કાયદો લાગુ થવાથી લાખો મુસ્લિમો ભારતમાંથી ભાગી શકે છે.ભારતના મુસ્લિમોને નાગરિકતાથી વંચિત કરવા માટે જ સરકારે આ કાયદો બનાવ્યો છે.ભારતના મુસ્લિમોના અધિકાર છીનવવામાં આવી રહ્યા છે.આ કાયદા સામે લોકો ભારતમાં રસ્તા પર ઉતર્યા છે.

તેમણે કહ્યુ હતુ કે, શરણાર્થીઓની સમસ્યા ધનિક દેશો પણ ઉકેલી શકે તેમ નથી.આપણે એવી સ્થિતિ સર્જવી પડશે કે આવી સમસ્યા જ ઉભી ના થાય.પાકિસ્તાન વધુ શરણાર્થીઓનો બોજો સહન કરી નહી શકે.

દરમિયાન ભારતે ઈમરાનખાનને આપેલા ભાષણની ઝાટકણી કાઢવામાં વાર લગાડી નથી.ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ હતુ કે, આખી દુનિયાને હવે ખબર પડી જવી જોઈએ કે, ઈમરાનને વૈશ્વિક મંચનો દુરપયોગ કરવાની આદત પડી ગઈ છે.72 વર્ષથી પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે.જેના કારણે તેમને ભારત ભાગવાની ફરજ પડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

error: Content is protected !!